આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન,વાપીના તાલીમાર્થીઓ દ્વારા શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ,કોપરલીમાં “માતૃભાષા મહોત્સવ”ની ઉજવણી।

ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ,કોપરલીના સંયુક્ત ઉપક્રમે આર.કે. દેસાઈ કોલેજ ઑફ એજ્યુકેશન,વાપીના તાલીમાર્થીઓ દ્વારા તા.૧૯ ફેબ્રુ.ના દિવસે “માતૃભાષા સપ્તાહ” અંતર્ગત શ્રી સાર્વજનિક હાઇસ્કુલ,કોપરલીમાં “માતૃભાષા મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શાળાના આચાર્ય શ્રી ધર્મેશકુમાર પટેલે હાજરી આપી હતી,જેમણે “મળી માતૃભાષા, મને ગુજરાતી” વિષય સંદર્ભે પ્રાસંગિક ઉદબોધન રજૂ કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તાઓ તરીકે આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રધ્યાપકો ડો.રાહુલ ટંડેલ અને ડો.અક્ષય ટંડેલે કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. પ્રા.ડૉ. રાહુલભાઈ ટંડેલે “શિક્ષણનું માધ્યમ ગુજરાતી ભાષામાં” અને પ્રા.અક્ષયભાઈ ટંડેલે “માતૃભાષાની ગરિમા” વિષય પર મનનીય પ્રવચનો આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રા.સાહિલકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.બી.એડ.કોલેજના અને એમ.એડ.ના તાલીમાર્થીઓ દ્વારા સુંદર કૃતિઓ જેવી કે સ્વાગત નૃત્ય,ગરબો,નાટક, ક્વીઝ વગેરે રજૂ થયા હતા. તાલીમાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે સુલેખન અને નિબંધ સ્પર્ધાનું પણ આયોજન થયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તમામ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના સંયોજક પ્રા.ડૉ.ગુંજન વશીએ સુંદર કાર્યક્રમના આયોજન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, આર.કે દેસાઈ બી.એડ.કોલેજ પરિવાર અને કોપરલી શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમના અંતે અલ્પાહાર અને “મારા હસ્તાક્ષર, મારી માતૃભાષામાં”પ્રવૃત્તિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આર.કે.દેસાઈ કોલેજના ચેરમેન શ્રી મિલન દેસાઈ, કેમ્પસ ડાયરેક્ટર ડો.મિત્તલ શાહ અને પ્રિ.ડો. પ્રીતિબેન ચૌહાણે સફળ કાર્યક્રમ માટે અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating