વાપી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસુલાત માટે નોટિસ આપવાની અને સીલીંગની કાર્યવાહી કરવામાં આવતા વેરો ભરવા બાબતે મિલકત ધારકોમાં જાગૃતિ જોવા મળી રહી છે।

આગામી ૧ એપ્રિલથી બાકી વેરાની તમામ રકમ ઉપર 12% વ્યાજ લાગી જવાનું હોવાથી માર્ચ માસના ૧૫ દિવસમાં ૩૫૧૨ મિલકત ધારકોએ પોતાનો બાકી વેરો ભરી દીધો છે. જેથી રૂ.૨.૨૬ કરોડની આવક થઈ છે. અને અત્યાર સુધીમાં ૨૦૨૫-૨૬ ની કુલ રૂ.૪૧ કરોડની વસૂલાત થઇ છે. ઘરવેરા વિભાગની ટીમોએ વિવિધ વિસ્તારોમાં સર્વે કરી વર્ષોથી વેરો ન ભરતા બાકીદારોની રહેણાંક મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરી છે. ડુંગરામાં શાંતિ એન્કલેવમાં ૧૮ ફ્લેટ, સાઈકૃપા એપાર્ટમેન્ટમાં ૮ ફ્લેટ, સાગર સંગીતામાં ૧૨ ફ્લેટ, વાપીમાં એકતા રોયલમાં ૨ ફ્લેટ ચલામાં હિન્દુસ્તાન લીવર સોસાયટીના ૪ બંગલા મળી ૪૪ રહેણાંક મિલકતોને સીલ મારવામાં આવ્યા છે. આ ઉપરાંત છાંગુર ચૌહાણની ચાલીની ૧૩ રૂમ, મંજુલાબેનની ૫ રૂમ, આદીતનાથ યાદવની ૭ રૂમ વગેરે મળી ૫૨ રૂમોને તાળા મારીને રૂપિયા રૂ.3.૨૦ લાખની વસૂલાત કરવામાં આવી હતી. હાલમાં બાકી રહેલા કરદાતાઓ સામે કાર્યવાહી ચાલી રહી છે. જે કરદાતાઓ છેલ્લી નોટિસ બાદ પણ વેરો ભરશે નહિ તેમની મિલકતોની જપ્તી બાદ હવે હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની ટીમ હાલમાં દરેક વિસ્તારમાં સક્રિય છે અને બાકીદારો સામેની ઝુંબેશ આગામી દિવસોમાં વધુ તેજ બનશે. મિલકત ધારકોને વ્યાજ, દંડ અને સીલીંગ જેવી કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે સમયસર પોતાનો બાકી વેરો ભરવા માટે ઘરવેરા વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે।
Average Rating