વાપી મહાનગરપાલિકા ઘરવેરા વિભાગ દ્વારા ગત એક સપ્તાહમાં ઔદ્યોગિક એકમો, ગોડાઉનો, દુકાનો અને ઓફિસો મળી ૧૮૮ મિલકતો પર કાર્યવાહી કરી સ્થળ ઉપર રૂ.28.41 લાખની અને કુલ રૂ.82.77 લાખની વેરા વસૂલાત કરવામાં આવી હતી।

કમિશ્નરશ્રી યોગેશ ચૌધરીએ વેરો ના ભરતા મોટા બાકીદાર મિલકતધારકો સામે કાર્યવાહી કરવાની આપેલી સૂચનાના અનુસંધાને નાયબ કમિશ્નર અશ્વિન પાઠકના માર્ગદર્શનમાં ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કર અને ટેક્ષ ઇન્સ્પેક્ટર દિપક ચભાડિયાએ ઘરવેરા ટીમ સાથે એક સપ્તાહ માટે વેરા વસૂલાતનું વિશેષ અભિયાન ચલાવ્યું હતું. મિલકત ધારકોને નોટિસો આપવા છતાં વેરો ના ભર્યો હોય કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત કરવડ વિસ્તારમાં પરમ લોજીસ્ટિક અને ડેવલોપર્સ ઔધોગિક વિસ્તારમાં 56 એકમોને અને પરમ આર્કેડ શોપિંગ સેન્ટરમાં ૬ દુકાનોને તાળા મારવામાં આવ્યા હતા અને સ્થળ પર રૂ.7.28 લાખની વસૂલાત કરવામાં આવી હતી. છીરી વિસ્તારમાં જે. નાનજી ઔધોગિક વિસ્તારમાં 45 એકમોને તાળા મારવામાં આવ્યા હતા। અને સ્થળ પર રૂ.8.86 લાખની વસૂલાત કરી હતી. ડુંગરાનાં મંગલમ કોલોની વિસ્તારમાં ૧૮ ગોડાઉન સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને રૂ.2.28 લાખની વસૂલાત કરી હતી. બલીઠામાં નેશનલ હાઈવે પર આવેલ અનમોલ શોપિંગ સેન્ટર ખાતે ૫૯ દુકાનોને તાળા મારી સ્થળ પર રૂ.7.29 લાખની વસૂલાત કરી હતી. વાપીમાં આઝાદ કોમ્પ્લેક્ષમાં એક એડવોકેટની સહીત ૪ ઓફિસોને તાળા મારી સ્થળ પર રૂ.2.70 લાખની વસૂલાત કરી હતી. લાંબા સમયથી મહાનગરપાલિકાની નોટિસની અવગણના કરી પ્રોપર્ટી ટેક્ષ ના ભરનારા સામે ઘરવેરા વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. ઓક્ટોબર માસથી દર મહીને 1% મુજબ વ્યાજ વધતું હોય તથા જપ્તીની કાર્યવાહી થતી હોય મિલકતધારકોને પોતાનો પ્રોપર્ટી ટેક્ષ સમયસર ભરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે।
Average Rating