વાપી મહાનગરપાલિકા ઘરવેરા વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચાલીની ૧૨૭ રૂમોને તાળા મારી રૂમોના માલિકો પાસેથી સ્થળ ઉપર રૂ.૪.૨૨ લાખની અને કુલ રૂ.૧૬.૭૮ લાખની વેરા વસૂલાત કરવામાં આવી હતી।

કમિશ્નરશ્રી યોગેશ ચૌધરીએ વેરો ના ભરતા ચાલીના મિલકતધારકો સામે કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચનાના અનુસંધાને નાયબ કમિશ્નર અશ્વિન પાઠકના માર્ગદર્શનમાં ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કર અને ટેક્ષ ઇન્સ્પેક્ટર દિપક ચભાડિયાએ ઘરવેરા ટીમ સાથે ચાલીની રૂમોના વેરા વસૂલાતનું વિશેષ અભિયાન ચલાવ્યું હતું. ચાલીના માલિકોને નોટિસો આપવા છતાં વેરો ના ભર્યો હોય કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત ચલા વિસ્તારમાં નિરંકારી નગર, હળપતિવાસ, અપનાઘર વગેરે વિસ્તારની ૩૯ રૂમોને તાળા મારવામાં આવ્યા હતા અને રૂ.૬.૩૫ લાખની વસૂલાત કરવામાં આવી હતી. ડુંગરા વિસ્તારમાં ઢોડીયાવાડ, આહીરવાડ, કોળીવાડ વગેરે વિસ્તારની ૭૭ રૂમોને તાળા મારવામાં આવ્યા હતા અને રૂ.૮.૭૮ લાખની વસૂલાત કરી હતી. વાપીમાં કબ્રસ્તાન રોડ, ખડકલા રોડ, ટાંકી ફળિયા વગેરે વિસ્તારની ૧૧ રૂમોને તાળા મારવામાં આવ્યા હતા અને કુલ રૂ.૧.૬૫ લાખની વસૂલાત કરવામાં આવી હતી. હાલમાં લાંબા સમયથી વેરા ના ભરનારા ગામ વિસ્તારના ચાલીના મિલકતધારકોને નોટિસો આપવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવનાર છે. ઓક્ટોબર-૨૦૨૫ થી દર મહીને 1% મુજબ દંડકિય વ્યાજ વધતું હોય તથા મિલકત જપ્તીની કાર્યવાહી થતી હોય ચાલીના માલિક મિલકતધારકોને પોતાનો પ્રોપર્ટી ટેક્ષ સમયસર ભરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે।
Average Rating