વાપી મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માં વેરા વસૂલાત ક્ષેત્રે નોંધપાત્ર સફળતા હાંસલ કરવામાં આવી છે।

માર્ચ માસમાં રૂ.6.30 કરોડનો વેરો મેળવવા સાથે રૂ.50.10 કરોડના નિર્ધારિત લક્ષ્યાંક સામે કુલ રૂ.44.28 કરોડની વસૂલાત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નરશ્રી યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઘરવેરા વિભાગ દ્વારા લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે છેલ્લા 3 માસ સઘન વેરા વસૂલાત ઝુંબેશ થઈ હતી. જે અંતર્ગત નાગરિકો દ્વારા પણ સારો સહકાર મળ્યો હતો. વાપી શહેર તથા સમાવિષ્ટ 11 ગામોના મિલકત ધારકોએ ઉત્સાહપૂર્વક વેરો ભરી પોતાની જવાબદારી પૂરી કરી હોવાથી તંત્ર દ્વારા તમામનો આભાર માનવામાં આવ્યો છે. નાયબ કમિશ્નરશ્રી આસ્થા સોલંકીએ આંકડાકીય અને કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં રૂ.7.42 કરોડની વધુ વસૂલાત નોંધાઈ છે. વાપીના સર્વાંગી વિકાસને વેગ આપવા હેતુ વધુ આવક માટે ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કરની રાહબરીમાં ટેક્ષ ઈન્સ્પેકટરો દિપક ચભાડિયા, મેહુલ પટેલ, શુભમ પટેલ, ધર્મિન આહીર, કુણાલ પટેલ અને કર્મચારીઓની ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં નાગરિકોને વેરો ભરવા માટે પ્રોત્સાહિત કરવા સાથે નિયમોનુસાર દંડ અને કાર્યવાહી થતી હોય સમજાવવામાં આવ્યા હતા. છેલ્લા 2 દિવસમાં 2066 લોકે રૂ.1.44 કરોડનો વેરો ભર્યો હતો. સમગ્ર માર્ચ માસ દરમિયાન કડક કાર્યવાહીથી બચવા અને દંડ-વ્યાજમાંથી મુક્તિના આશયથી 11739 જેટલા નાગરિકોએ સ્વૈચ્છિક વેરો ભર્યો હતો જ્યારે નિયમભંગ બદલ 662 રહેણાંક અને બિનરહેણાંક મિલકતોને સીલ કરવાની ફરજ પડી હતી. આ સાથે જનતા સુધી માહિતી પહોંચાડી લોકોને વેરો ભરવા જાગૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્રેસ અને મીડિયા જગતનો પણ મહાનગરપાલિકા દ્વારા વિશેષ આભાર પ્રગટ કરવામાં આવ્યો છે. વહીવટદારશ્રી ભવ્ય વર્માએ કરદાતાઓને પ્રોત્સાહિત કરવા આગામી જુન માસમાં નિયમિત અપાતાં શિક્ષણ ઉપકર સિવાયના 5% રીબેટ ઉપરાંત વેબસાઇટથી ઓનલાઈન વેરો ભરનારને 1% વધુ (કુલ 6%) વળતર આપવાની મંજૂરી આપી છે. જે વધારાના 1% વળતરનો લાભ માર્ચ-27 સુધી લઈ શકાશે. વધુમાં એક યાદીમાં જણાવાયું છે કે આગામી વર્ષ માટે સોફ્ટવેરમાં મેન્ટેનન્સની કામગીરી થનાર હોવાથી તા.1 થી 5 એપ્રિલ દરમ્યાન વેરાને લગતી તમામ કામગીરી બંધ રહેશે।
Average Rating